અયોધ્યામાં રામમંદિરના નિર્માણ વચ્ચે આ વખતની રામલીલા બેહદ ખાસ થવા જઇ રહી છે. સેંકડો વર્ષોથી ચાલી આવતી પરંપરાઓને બચાવવા માટે નવા પ્રયોગ થઇ રહ્યા છે. અહીં સરયૂ નદીના કાંઠે લક્ષ્મણ કિલા મંદિરમાં ભવ્ય રામલીલાની તૈયારી ચાલી રહી છે. ફિલ્મી દુનિયાના જાણીતા કલાકારો બુલંદ અવાજે રામાયણના સંવાદોનું રિહર્સલ કરી રહ્યા છે. પહેલી વાર ડીડી નેશનલ, યુટ્યૂબ તથા અન્ય સોશિયલ મીડિયા ચેનલ્સ પર 17થી 25 ઓક્ટોબર સુધી સાંજે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી રામલીલાનું જીવંત પ્રસારણ થશે. આ રામલીલા રેકોર્ડ કરીને એક અઠવાડિયા બાદ યુટ્યૂબ પર 14 ભાષામાં અપલોડ કરાશે.
રામ અને સીતાની ભૂમિકા અનુક્રમે સોનુ ડાંગર અને કવિતા જોશી જ્યારે રાવણનું પાત્ર શાહબાઝ ખાન ભજવશે. ભોજપુરી કલાકાર અને સાંસદ મનોજ તિવારી અંગદની તથા રવિ કિશન ભરતની ભૂમિકામાં જોવા મળશે. અયોધ્યાની રામલીલા માટે પ્રભુ શ્રીરામની સાસરી જનકપુરી, નેપાળથી રાજાશાહી વસ્ત્રો બનીને આવ્યાં છે. સીતા માતાનાં ઘરેણાં અયોધ્યામાં જ તૈયાર થયાં છે. ભગવાન શ્રીરામનું ધનુષ કુરુક્ષેત્રમાં તથા રાવણનાં ઘણાં વસ્ત્રોમાંથી એક શ્રીલંકામાં બન્યું છે.
આ રામલીલાની તૈયારીઓમાં વ્યસ્ત સ્થાનિક ધારાસભ્ય વેદપ્રકાશ ગુપ્તા આ નવા પ્રયોગને લઇને ઉત્સાહિત છે. તેઓ કહે છે કે દેશ-દુનિયાના રામભક્ત અને લીલાપ્રેમી આ રામલીલાનો આનંદ લઇ શકશે. જોકે, અયોધ્યાની નિરંતર ચાલતી પરંપરાગત રામલીલા નહીં યોજાય. અયોધ્યા શોધ સંસ્થાનના નિયામક ડૉ. વાય. પી. સિંહ જણાવે છે કે નિરંતર રામલીલા સાથે દેશભરની રામલીલા મંડળીઓના અંદાજે 400 કલાકારો જોડાયેલા છે. રામકથા પાર્કમાં ખુલ્લામાં રામલીલા યોજવા પ્રયાસ કરાયો હતો પરંતુ દર્શકોની ભીડની શક્યતાને ધ્યાનમાં લેતાં મંજૂરી ન મળી.
અયોધ્યાની રામલીલા અંગે શ્રીરામ જન્મભૂમિના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસ જણાવે છે કે અયોધ્યામાં રામલીલા ક્યારેય બંધ નથી રહી એવું મનાય છે પરંતુ 400 વર્ષથી યોજાતી રામલીલાની શરૂઆતનું શ્રેય તુલસીદાસના સમકાલીન મેઘાભગતને જાય છે. અહીં એક સમયે રાજદ્વાર ભવનમાં યોજાતી રામલીલા ઘણી લોકપ્રિય હતી. તે ખુલ્લામાં થતી, જેમાં રામચરિત માનસ તથા રામનાં બીજાં મહાકાવ્યોના દોહા-ચોપાઇઓનો પાઠ થતો. આખી રામલીલા દરમિયાન દરેક પ્રસંગને અનુરૂપ દોહા-ચોપાઇઓનો સ્વરપાઠ થતો પણ બાદમાં કોઇ કારણસર તે રામલીલા બંધ થઇ ગઇ.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31sPojZ

0 ટિપ્પણીઓ