બિહાર વિધાનસભા ચૂંટણીમાં આતંકવાદ મુદ્દે રાજકારણ ગરમાયું છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે વૈશાલીમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું કે રાજદ જીતશે તો કાશ્મીરમાંથી બચીને આવેલા આતંકીઓ બિહારમાં આશરો લેશે. આ મુદ્દે રાજદ નેતા તેજસ્વી યાદવે કહ્યું કે બિહારમાં બેકારી દર 46.6% છે. બેકારી, ગરીબી, ભૂખમરો અને લોકોની હિજરતના આતંક વિશે તેમનું શું કહેવું છે? આ મુશ્કેલીઓમાંથી બિહારને બહાર લાવવા તેમની ડબલ એન્જિન સરકારે શું કર્યું? આવાં નિવેદનો કરીને તેઓ તેમના એજન્ડાથી હટવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ અમે એજન્ડાના આધારે ચૂંટણી લડવા ઈચ્છીએ છીએ.
બિહાર ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવે કહ્યું કે નિત્યાનંદના નિવેદનનો અર્થ એ હતો કે ભાજપ આતંક વિરુદ્ધ આક્રમક લડાઈ લડે છે. તેમના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરાઈ રહ્યું છે. તેમણે રાષ્ટ્રીય સુરક્ષાના સંદર્ભમાં આ વાત કરી હતી. જોકે, કોંગ્રેસના નેતા સંતોષકુમારે કહ્યું કે આવા મંત્રીનું સરકાર તાત્કાલિક રાજીનામું લઈ લે. રાષ્ટ્રપતિ પણ આ મામલાની ઝડપથી નોંધ લે. ભાજપના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાની દૂષિત કરવાનો પ્રયાસ કરે છે.
કડકાઈ: જદયુએ પાંચ નેતાઓને કાઢી મૂક્યા, રાજદે 17 ધારાસભ્યોને ટિકિટ કાપી
જદયુએ પક્ષવિરોધી ગતિવિધિના આરોપમાં પાંચ નેતાઓની છ વર્ષ માટે હકાલપટ્ટી કરી છે. તેમાં પૂર્વ મંત્રી રામેશ્વર પાસવાન અને ધારાસભ્ય દદનસિંહ યાદવ સામેલ છે. બીજી તરફ, રાજદએ 17 વર્તમાન ધારાસભ્યની ટિકિટ કાપી છે. તેમની બેઠકો ગઠબંધનમાં અન્ય પક્ષોને અપાઈ છે અથવા તો તેમને બેઠક જીતી ન શકે એવા માનીને તેમના બદલે બીજા ઉમેદવારોને મેદાનમાં ઉતારાયા છે.
કલંકિતો: પહેલા તબક્કામાં રાજદમાં સૌથી વધુ 29, બીજા નંબરે ભાજપના 21 ઉમેદવાર
બિહાર ચૂંટણીના પહેલા તબક્કા માટે 71 બેઠક પર 28 ઓક્ટોબરે મતદાન થશે. આ બેઠકો પર 1065 ઉમેદવાર મેદાનમાં છે. ચૂંટણીની એફિડેવિટો પ્રમાણે, તેમાંથી મોટા રાજકીય પક્ષોના 164 ઉમેદવારની છબિ કલંકિત છે. એટલે કે તેમના પર હત્યા, હત્યાનો પ્રયાસ, બાળગુના, છેતરપિંડી જેવા કેસ ચાલી રહ્યા છે. તેમાં રાજદ 29 કલંકિત ઉમેદવાર સાથે સૌથી આગળ છે. પાર્ટીએ સૌથી વધુ 38 કેસના આરોપી અનંત સિંહને પણ મોકામા બેઠકની ટિકિટ આપી છે. ભાજપ અને લોજપાના 21-21 ઉમેદવારો સામે પણ કેસ ચાલી રહ્યા છે, જ્યારે 17 કલંકિત ઉમેદવાર સાથે રાલોસપા ત્રીજા અને 14 કલંકિત ઉમેદવારો સાથે જદયુ ચોથા સ્થાને છે.
દાવ: મહારાષ્ટ્રની પાર્ટીઓ શિવસેના અને એનસીપી બિહારમાં ચૂંટણી લડવાની તૈયારીમાં
શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે અમારી પાર્ટી બિહાર ચૂંટણીમાં આશરે 40 બેઠક પર ઉમેદવાર ઊભા રાખશે. આ માટે અમે આવતા અઠવાડિયે પટણા જઈશું. ત્યાંના જાપ જેવા પક્ષ પણ અમારી સાથે વાત કરવા માંગે છે. બીજી તરફ, શરદ પવારની એનસીપી પણ બિહારમાં રાજદ-કોંગ્રેસના મહાગઠબંધનમાં સામેલ થઈને ચૂંટણી લડવા ઈચ્છે છે, પરંતુ તેમાં જગ્યા ન મળતા તેઓ એકલા જ ચૂંટણી લડવાની તૈયારીમાં છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2GQdD4v

0 ટિપ્પણીઓ