News

Responsive Advertisement

કોરોના વાઇરસ ની અપડેટ

મશીનો અને મોટિવેશનથી મજબૂત થતી ખેડૂત એકતા, ધરણાં પર બેઠેલા ખેડૂતોએ પણ તેમની ‘એમ-2’ વ્યૂહરચના ઘડી કાઢી

મોટા ઉદ્યોગગૃહો વ્યવસાયની પ્રગતિ માટે ‘એમ-2’ વ્યૂહરચનાઓ લાગુ કરે છે. મેનેજમેન્ટની આ વ્યૂહરચનાઓમાંથી જ બોધપાઠ લઇને સિંઘુ બોર્ડર પર ધરણાં પર બેઠેલા ખેડૂતોએ પણ તેમની ‘એમ-2’ વ્યૂહરચના ઘડી કાઢી છે. તેમના માટે ‘એમ-2’નો અર્થ છે મિકેનાઇઝેશન અને મોટિવેશન, જેનાથી તેમના દેખાવોને લાંબી ઉંમર મળે છે. દેખાવોના કેન્દ્રબિંદુમાં મશીનોનો ઉપયોગ રસોઇ, હેલ્થ, સેનિટેશનના મેનેજમેન્ટ અને વીજળી માટે કરાઇ રહ્યો છે.

ભોજન: અત્યાર સુધી ભોજન, ખાસ કરીને રોટલી વોલન્ટિયર્સ જાતે બનાવતા હતા પણ 2 દિવસથી અહીં રોટલી બનાવવાના ઢગલાબંધ મશીનો આવી ગયા છે. કોરો લોટ મશીનમાં ભરી દો એટલે મશીનમાંથી તૈયાર રોટલી નીકળે છે. આ મશીનોની ક્ષમતા 1 કલાકમાં ઓછામાં ઓછી 6 હજાર રોટલી તૈયાર કરવાની છે. મશીનો આખો દિવસ ચાલુ રહે છે.

સ્વાસ્થ્ય-સ્વચ્છતા: ધરણાં પર બેઠેલી મહિલાઓને માસિકધર્મ દરમિયાન તકલીફ ન પડે તે માટે તેમને બ્રાન્ડેડ સેનિટરી નેપકિન અપાઇ રહ્યા છે. સંખ્યાબંધ સ્વયંસેવકો પીઠ પર મચ્છર મારવાનું ફોગિંગ મશીન લઇને એનએચ-44 પર દર 300થી 500 મી.ના અંતરે હાજર છે. સવારે સોનીપત જિલ્લાના નગર નિગમના સફાઇ કર્મચારીઓ સાથે વોલન્ટિયર્સની ટીમો રસ્તા પર કચરો વાળે છે. હાઇવે પર વિવિધ સ્થળે વોશિંગ મશીન પણ રખાયા છે, જેમાં થોડા કલાકોમાં જ દેખાવકારોના કપડાં ધોઇને ઇસ્ત્રી પણ કરી આપવા માટે વોલન્ટિયર્સ તહેનાત છે.

વીજ પુરવઠો: ટ્યૂબ વોટરપંપનું સંચાલન કરતી મોબાઇલ સોલર વેનને મોબાઇલ ચાર્જિંગ માટે અને બેટરી બેંક તરીકે ફેરવી દેવાઇ છે. તે હાઇવે પર ઠેર-ઠેર સવારથી સાંજ સુધી તહેનાત છે. લંગરો, રસોઇ બનાવવાના સ્થળો તથા અન્ય સ્થળોએ રાત્રે લાઇટિંગ માટે બેટરીઓનો ઉપયોગ કરાય છે, જે ટ્રેક્ટરો દ્વારા રિચાર્જ કરાય છે. મેનેજમેન્ટના સિદ્ધાંતો લાગુ કરવાથી દેખાવકારોને પાયાની સુવિધાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવામાં મદદ મળે છે, જેથી તેઓ અચોક્કસ મુદ્દત સુધી આંદોલન ચાલુ રાખી શકે. વર્તમાન સ્થિતિમાં આ વાત તર્કસંગત લાગે છે પણ પર્યાપ્ત મોટિવેશન વિના આ કામ ન થઇ શકે અને ખેડૂતો આ વાત કોઇ પણ મેનેજમેન્ટ ગુરુથી વધુ સારી રીતે જાણે છે.

સાંભળીને પ્રેરણા: યુવાનો ટ્રેક્ટરો પર લાગેલા ડીજે પર ‘હલ છડ કે પાલેયા જે અસીં હથ હથિયારાં નૂ...’ (જો ખેડૂતે હળ છોડીને હથિયાર ઉઠાવી લીધા...) કે ‘ફસલાં દે ફૈસલે કિસાન કરુગા’ (ખેતીના નિર્ણયો ખેડૂત કરશે) જેવા પ્રેરક ગીતો સાંભળે છે ત્યારે યુવા દેખાવકારોની બૉડી લેંગ્વેજમાં અચાનક ફેરફાર જોઇ શકાય છે. આવા સેંકડો ગીત યુવાનોને પ્રેરણા આપવા માટે સંભળાવાય છે.

જોઇને પ્રેરણા: સારી ક્વોલિટીના કાગળ પર છપાયેલી ભગત સિંહ, લાલ સિંહ દિલ, સુરજીત પટાર જેવા ક્રાંતિકારી નેતાઓની તસવીરો વહેંચાય છે. લોકોએ ટી-શર્ટ પર તસવીરો છપાવી રાખી છે. તેમની તસવીરોવાળી પત્તાંની કેટ પણ વહેંચાઇ રહી છે. હાઇવેની એક તરફ દીવાલો પર પણ યુવાનો પ્રેરક પેઇન્ટિંગ્સ બનાવી રહ્યા છે. રોજ સાંજે ઐતિહાસિક ફિલ્મો બતાવાય છે.

ભૌતિક પ્રેરણા: સૂર્યોદય થતાં જ 10મા ગુરુ ગોવિંદ સિંહની પ્રિય નિહંગ સેનાના સૈનિકો ઊંચા ઘોડા પર સવાર થઇને એનએચ-44 પર કૂચ કરે છે ત્યારે યુવાનોમાં પ્રેરણાની લહેર દોડી જાય છે અને તેઓ રજાઇમાંથી બહાર આવીને બેઠા થઇ જાય છે. બપોરે 3 વાગ્યે તે જ જૂથ પરંપરાગત હથિયારો સાથે શીખ માર્શલ આર્ટ ‘ગતકા’ના કરતબો રજૂ કરે છે, જે જોવા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે અને યુવાનો પોતાને જોશથી ભરેલા અનુભવે છે. આંદોલન દરમિયાન તેવા હથિયારોથી લડાયેલાં યુદ્ધના કિસ્સાઓની કોમેન્ટરી પણ થતી રહે છે.

આ ઉપાયો થકી જ હરિયાણાના 75 વર્ષીય સુક્ખા સિંહ જેવા ખેડૂતો અઠવાડિયાઓથી ધરણાં પર અડગ છે. સુક્ખા સિંહ કહે છે, ‘યે ફસલોં કો નહીં, નસ્લોં કો બચાને કી લડાઇ હૈ.’

(અહેવાલ: મનીષા ભલ્લા અને રાહુલ કોટિયાલના એડિશનલ ઇનપુટ સાથે)



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સામૂહિક ભોજન કરી રહેલા આંદોલનકારી ખેડૂતો.


from Divya Bhaskar https://ift.tt/3n2d6fq

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ