 
રાજકોટ અને અમદાવાદમાં કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનાની યોગ્ય તપાસ નહીં થતા સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમકોર્ટના જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ બી.આર. ગવઈની બેન્ચે બુધવારે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી. આગની ઘટનાની તપાસ માટે ગુજરાત સરકાર દ્વારા તપાસ કમિટીની રચના સામે સવાલ કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જે ઘટનાની પૂરતી માહિતી જ નથી ત્યારે કમિટી કેવી રીતે તપાસ કરશે. કોર્ટે ગુજરાત સરકારને ત્રણ દિવસમાં કમિટીની રચના કરીને વિસ્તૃત સોગંદનામુ રજૂ કરવા જણાવ્યું હતું. સાથે જ સુપ્રીમ કોર્ટે ફાયર સેફ્ટી માટે અત્યાર સુધી કેટલા અધિકારીઓની નિમણૂંક થઈ એવો સવાલ કેન્દ્ર સરકારને પૂછ્યો હતો. તથા દેશભરની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી તથા કમ્યુનિટી હેલ્થ સેવાને લઈને કેન્દ્રની ઝાટકણી કાઢી હતી.
જસ્ટિસ ભૂષણે બધી જ કમિટિઓને રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું. આ રિપોર્ટસને સંકલિત કરીને ગુજરાત સરકાર ત્રણ દિવસમાં સોગંદનામુ રજૂ કરે. આ મુદ્દે કેન્દ્ર સરકાર પણ નિર્દેશ જારી કરી શકે છે. જસ્ટિસ મહેતાની કમિટિ અમદાવાદની સાથે રાજકોટની આગની ઘટનાની તપાસ કરી શકે છે. ગુજરાત સરકાર ફાયર સેફ્ટી મુદ્દે લીધેલા પગલાં અંગે ત્રણ દિવસમાં રિપોર્ટ રજૂ કરે.
ઉલ્લેખનીય છે કે રાજકોટની હોસ્પિટલમાં અગ્નિકાંડમાં છ લોકોના મોત બાદ સુપ્રીમ કોર્ટે દેશભરની હોસ્પિટલોમાં આગ અંગે સુરક્ષા મુદ્દે સુઓ મોટો લીધી હતી. આ મુદ્દે અગાઉ સુપ્રીમ કોર્ટે ગુજરાત તથા કેન્દ્ર સરકારનો નોટિસ આપીને જવાબ માગ્યો હતો. જસ્ટિસ એમઆર શાહે બુધવારે થયેલી સુનાવણીમાં અત્યાર સુધી શું પગલાં ભરવામાં આવ્યા છે એ અંગે ગુજરાત સરકારનો જવાબ માગ્યો હતો.
ગુજરાત સરકારના સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે પગલાં તો ભરવામાં આવ્યા છે પણ તે રેકોર્ડ પર નથી. બાદમાં જસ્ટિસ ભૂષણે કહ્યું હતું કે આ મુદ્દે ગુજરાત સરકારે એક વિસ્તૃત જવાબ દાખલ કરવો જોઈએ. દરમિયાન વકીલ અપર્ણા ભટ્ટે રાજકોટ અગ્નિકાંડમાં જીવ ગુમાવનાર એક મહિલાના પતિ તરફથી પોતાને પક્ષકાર બનાવવાની અપીલ કરી હતી. મહેતાએ તેની સામે વાંધો લેતા કહ્યું હતું કે કોરોના હોસ્પિટલમાં આગની તપાસ માટે એક કમિટિની રચના થઈ છે. આ મામલે આનાથી વધુ કશું થઈ શકે એમ નથી. જસ્ટિસ શાહે રાજકોટ તથા અમદાવાદમાં સારી રીતે તપાસ નહીં થતા નારાજગી વ્યક્ત કરતા પૂછ્યું હતું કે ગત 3-4 મહિનામાં તપાસ કમિટિએ શું કર્યું? મહેતાએ કહ્યું કે, હોસ્પિટલમાં ફાયર સેફ્ટી મુદ્દે જસ્ટિસ બીએમ મહેતાની કમિટિ તપાસ કરી રહી છે. અમારી પાસે આ મુદ્દે છુપાવવા જેવું કશું નથી.
જસ્ટિસ શાહે કહ્યું હતું કે કમિટિ પાસે જ્યારે પૂરતી જાણકારીઓ જ નથી ત્યારે તે તપાસ કેવી રીતે કરી શકશે? તમે પહેલેથી જ ત્યાં એક તપાસ કમિટિની રચના કરી છે. હવે રિટાયર્ડ જજના વડપણ હેઠળ કમિટિની રચના કરાઈ છે. અને હવે નવી કમિટિ. તમે તમારો દૃષ્ટિકોણ સ્પષ્ટ કરો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2JTdPBp

 
0 ટિપ્પણીઓ