જન્મ- 6 જાન્યુઆરી 1984
શિક્ષણ- ધોરણ-10
સન્માન- ‘ઊડતા પંજાબ’ ફિલ્મ માટે ફિલ્મફેર, મોસ્ટ સ્ટાઇલિશ મ્યુઝિશિયન-એક્ટરનો ફિલ્મફેર ગ્લેમર-સ્ટાઇલ એવોર્ડ
કુલ સંપત્તિ- 184 કરોડ રૂપિયા (મીડિયા રિપોર્ટ્સ મુજબ)
ગાયક-અભિનેતા દિલજિત દોસાન્જ પહેલીવાર કોઇ રાજકીય વિવાદમાં ખુલીને ઉતર્યો છે. ખેડૂત આંદોલન મુદ્દે તે સોશિયલ મીડિયા પર સતત સક્રિય છે. કંગના રનૌત સાથે સોશિયલ મીડિયા પર તેની જીભાજોડી પણ બહુ ચગી. દિલજિત જટ શીખ છે. પંજાબમાં 60 ટકા શીખો જટ જ છે. દિલજિતે ધરણાંસ્થળે ધામા નાખ્યા છે અને આંદોલનકારીઓ માટે ગરમ કપડાં ખરીદવા એક કરોડ રૂ.ની મદદ પણ કરી છે. તે અગાઉ પણ વિવાદોમાં રહ્યો છે. હની સિંહ સાથેના તેના મ્યુઝિક આલબમની ભાષાના કારણે વિવાદોમાં રહ્યો તો એક મ્યુઝિક વીડિયોમાં ગનના મહિમામંડન બદલ તેનો વિરોધ થયો. તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે હથિયાર નહીં હોય તો આપણે આપણો હક કેવી રીતે મેળવીશું?
કોંગ્રેસના સાંસદ રવનીત બિટ્ટૂએ તેના ગીત ‘રંગરૂટ’ અને જેઝી બીના ‘પુત જટ્ટા દાં’ સામે વાંધો ઊઠાવ્યો હતો. આક્ષેપ હતો કે આ ગીતો ખાલિસ્તાની એજન્ડાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, હસમુખ અને ટીખળી દિલજિત પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સાથોસાથ બૉલિવૂડમાં પણ લોકપ્રિય છે. ફોર્બ્સ ઇન્ડિયાના જણાવ્યાનુસાર, દિલજિત 2017થી સેલિબ્રિટી 100 લિસ્ટમાં સામેલ છે.
ગાયકમાંથી ‘કિંગ ઑફ પંજાબી ફિલ્મ્સ’ બનવા સુધીની સફર
પરિવાર | બાળપણ અભાવમાં વીત્યું, ગુરુદ્વારામાં કીર્તન કરતો હતો
પંજાબના લુધિયાણામાં દોસાન્જ કલા ગામમાં જન્મેલા દિલજિતનું મૂળ નામ દલજીત છે. તેના પિતા બલબીર સિંહ પંજાબ રોડવેઝના કર્મચારી હતા જ્યારે માતા સુખવિન્દર ગૃહિણી હતી. પરિવારની નાણાકીય સ્થિતિ કંઇ ખાસ નહોતી. દિલજિત ભણવામાં પણ હોશિયાર ન હોવાથી ગાયિકી તરફ વળ્યો. તે લુધિયાણામાં રહીને ધોરણ-10 સુધી ભણ્યો. સ્થાનિક ગુરુદ્વારામાં ભારતીય શાસ્ત્રીય સંગીતની તાલીમ મેળવી અને કીર્તન કરવા લાગ્યો. કીર્તન કરતા દિલજિતનો અવાજ સૌને સારો લાગતો. લોકો તેને બહાર ગાવા માટે પ્રેરિત કરતા. ગુરુદ્વારા બાદ દિલજિતે લગ્નપ્રસંગોમાં ગાવાનું શરૂ કર્યું.
કરિયર | બૉલિવૂડમાં ‘ઊડતા પંજાબ’થી
2004માં દલજીતે તેનું પહેલું આલબમ ‘ઇશ્ક દા ઉડા અડ્ડા’ રિલીઝ કર્યું અને તે દરમિયાન પોતાનું નામ બદલીને દિલજિત કર્યું. 2011માં ‘ધ લાયન ઑફ પંજાબ’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું પણ ફિલ્મ ફ્લોપ રહી. જોકે, તેનું એક ગીત સુપરહિટ રહ્યું અને પહેલીવાર બીબીસીના એશિયન ડાઉનલોડ ચાર્ટમાં નોન-બૉલિવૂડ સિંગરનું ગીત ટોપ પર પહોંચ્યું. 2016માં ‘ઊડતા પંજાબ’ ફિલ્મથી બૉલિવૂડમાં એન્ટ્રી મેળવી. ત્યાર બાદ ‘ફિલ્લૌરી’, ‘સૂરમા’, ‘અર્જુન પટિયાલા’, ‘ગૂડ ન્યૂઝ’, ‘સૂરજ પે મંગલ ભારી’માં અભિનય કર્યો. લૉકડાઉન વખતે તેણે તેનું મ્યુઝિક આલબમ ‘જી.ઓ.એ.ટી.’ રિલીઝ કર્યું હતું.
ઓળખ | પાઘડીને લઇને ભાવુક છે, ફિલ્મો માટે ક્યારેય પાઘડી ઉતારી નથી
દિલજિત વિશે એવું કહેવાય છે કે તે એવો પહેલો સરદાર છે કે જેણે પોતાની ઓળખ છોડ્યા વિના બૉલિવૂડમાં કામ શરૂ કર્યું છે. લોકો તેને સલાહ આપતા હતા કે પાઘડીના કારણે તેને કોઇ રોલ નહીં મળે. દિલજિત આ અંગે કહે છે કે, કોઇ રોલ મળે કે ન મળે પણ તે પાઘડી નહીં ઉતારે. તેના વિશે એવું કહેવાય છે કે તેને કોઇ રોલ માટે ઓડિશન આપવાનું પણ પસંદ નથી. તે યૂટ્યૂબ પર તેની પાઘડીના મનપસંદ રંગો વિશે વાત કરે છે તો ઘણાં પ્રશંસકોને તેના જેવી પાઘડી પહેરવાનું શીખવવા ઘણાં વીડિયો પણ બનાવ્યા છે.
ફેન્સ | પ્રશંસકો તેને ‘અર્બન પેન્ડૂ’ કહે છે, ચેરિટીમાં પણ આગળ
દિલજિતના પ્રશંસકો તેને ‘અર્બન પેન્ડૂ’ કહીને બોલાવે છે. અર્બન એટલે શહેરી અને પેન્ડૂ એટલે પિંડ (ગામ) છે. ફેન્સ તેને શહેરી અને ગામડિયાનું મિશ્રણ માને છે. દિલજિતને અંગ્રેજી નથી આવડતું. એકવાર આ કારણથી જ તે લંડનમાં ‘વૉગ’ મેગેઝિનને ઇન્ટરવ્યૂ નહોતો આપી શક્યો. 2017માં તેણે પ્રાઇવેટ જેટ ખરીદયું હોવાના પણ અહેવાલ હતા, જેને તેણે બાદમાં રદિયો આપ્યો હતો. ફોર્બ્સના જણાવ્યાનુસાર, 2019માં તેણે ફિલ્મો, જાહેરાતો, લાઇવ કોન્સર્ટ તથા અન્ય એન્ડોર્સમેન્ટ્સ દ્વારા 36.91 કરોડ રૂ. કમાણી કરી. દિલજિતે 2013માં ‘સાંઝ ફાઉન્ડેશન’ શરૂ કર્યું હતું, જેના માધ્યમથી તે સેવાકીય કાર્યો કરે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/39XG6kW

0 ટિપ્પણીઓ