
દિલ્હીમાં છેલ્લાં બે અઠવાડિયાથી ચાલી રહેલાં આંદોલનના મૂળિયા આમ જુઓ તો 211 વર્ષ જૂનાં છે. ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાનના કેટલાંક દસ્તાવેજી પૂરાવા તેની સાહેદી પૂરે છે. ભારતમાં ખેતઉપજ, જમીનની ગુણવત્તા, ભાવ વ. વિશે વૈજ્ઞાનિક ધોરણે અભ્યાસ કરવાનો પ્રયાસ સૌ પ્રથમ વખત ઈસ. 1879માં થયો હતો. તત્કાલીન વાઈસરોય લોર્ડ મેયોના આદેશથી બ્રિટિશ અધિકારી એલન ઓક્ટિવિયન હ્યુમે 1879થી આગળના 70 વર્ષના ડેટાના આધારે આ અહેવાલ તૈયાર કર્યો હતો, જેમાં કહેવાયું હતું કે ભારતમાં ખેડૂતોને તેમની ઉપજ માટે યોગ્ય ભાવ મળી રહ્યા નથી.
રસપ્રદ યોગાનુયોગ એ છે કે એ જ એલન હ્યુમ બાદમાં કોંગ્રેસની સ્થાપના કરવામાં નિમિત્ત બન્યા હતા.
હ્યુમના રિપોર્ટના તારણો મુજબ, ભારતીય ખેડૂતોની અડધાથી વધુ ઉપજ વચેટિયાઓ, સરકારી અધિકારીઓ અને મોટા જમીનદારોના હિસ્સામાં જતી રહી છે. ખેડૂતોને માંડ ઉપજનો છઠ્ઠો ભાગ મળતો હોય છે. હ્યુમના આ અહેવાલ પછી આજ સુધીમાં બ્રિટિશ શાસન દરમિયાન 41 વાઈસરોય કે ગવર્નર જનરલ અને આઝાદી પછી 14 વડાપ્રધાન તેમજ 17 સરકારોની ફેરબદલ થઈ ચૂકી છે, પરંતુ કિસાનોની સ્થિતિમાં કોઈ ફરક પડ્યો નથી.
પહેલાં રિપોર્ટમાં સુચવાયેલા 3 પગલાંઓ, જે હજુ ય લેવાયા નથી
1. કૃષિ વિભાગના અધિકારીઓ પોતાના સગવડદાયી: કાર્યાલયોને બદલે દરરોજ 10 કલાક ખેડૂતો સાથે ખેતરમાં જાય અને તેમની સમસ્યાનો અનુભવ મેળવે. એક અધિકારી કોઈ એક વિસ્તારમાં સતત 10 વર્ષ સુધી કાર્ય કરે અને એ વિસ્તારના ખેડૂતો, જમીનના પ્રકાર તેમજ ખેતઉપજનો અભ્યાસ કરે. મહત્તમ કૃષિ શિક્ષણનો વ્યાપ વધારવામાં આવે. ખેડૂતો અને વૈજ્ઞાનિકો વચ્ચે પરસ્પર સંપર્ક ઘનિષ્ઠ બનાવવામાં આવે.
2. ખેડૂતોને કલા અને ઉદ્યોગો સાથે જોડવામાં આવે: ખેડૂતોને ખેતીની તેમની ક્ષમતાનો અન્ય ક્ષેત્રોમાં ઉપયોગ કરવાની પ્રેરણા આપવામાં આવે. યુરોપ અને અમેરિકામાં ભારતીય ખેતીના પ્રદર્શનો યોજવામાં આવે. ભારતીય ખેડૂતને વૈશ્વિક સ્તરનો પરિચય આપવામાં આવે. ગામેગામ વનસ્પતિ ઉદ્યાન શરૂ કરવામાં આવે અને ખેડૂતોને મોસમની જાણકારી મળે એવી વ્યવસ્થા કરવામાં આવે.
3. કૃષિ સંસ્થાઓનો વ્યાપ વધારો: ભારતમાં કાયદો કે અન્ય ક્ષેત્રના વિદ્યાલયો કરતાં પણ કૃષિ સંબંધિત શિક્ષણ સંસ્થાઓની વિશેષ જરૂર છે. શાળાઓમાં બોટની, એગ્રો કેમિસ્ટ્રી, વેજીટેબલ ફિઝિયોલોજી અને ભુસ્તરશાસ્ત્ર જેવા વિષયો પર ભાર આપવો જોઈએ.
3 ક્ષમતા જે કિસાનો પાસે ત્યારે પણ હતી, આજે ય છે
1. ભારતીય ખેડૂતો સૌથી વધુ અનુભવી: ભારતના ખેડૂતો પરંપરાગત રીતે અને પેઢીગત રીતે છેલ્લાં 3000 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે. તેમના અનુભવ સામે બ્રિટિશ ખેડૂતોનો અનુભવ નગણ્ય છે. ભારતમાં ઘઉંના ખેતરો જોવાથી પણ એ ખ્યાલ આવશે. અહીં નિંદામણના નામે ઘાસનું તણખલું પણ જોવા નથી મળતું.
2. મોસમ પારખવામાં પારંગત: ભારતીય પરંપરા એટલી ચોક્કસ છે કે ખેડૂતો હવામાનનો બદલાતો નજારો આગોતરો પારખી શકે છે. ક્યા પાકને ક્યારે લણવો, કેટલું પાણી આપવું વ. બાબતોની તેમની સૂઝ અદભૂત છે. ખગોળનું તેમનું જ્ઞાન પણ નોંધપાત્ર છે, જેના આધારે વરસાદની આગાહી તેઓ કરી શકે છે.
3. પાકની પસંદગી કરવામાં માહેર: કઈ જમીન પર કેવો પાક યોગ્ય રહેશે તેનો નિર્ણય કરવામાં ભારતીય ખેડૂતો નિષ્ણાત છે. અનાજની સાચવણીની પદ્ધતિ પણ તેમને આવડે છે. 20 વર્ષ પછી પણ ભારતીય ખેડૂતોએ સંગ્રહેલું અનાજ સડતું નથી. પશુ ચિકિત્સાનું તેમનું જ્ઞાન અવ્વલ છે.
હ્યુમનો અહેવાલ આજે પણ એટલો જ ઉપયોગી
હ્યુમે પોતાનો અહેવાલ 1 જુલાઈ 1879ના રોજ વાઈસરોડ લોર્ડ મેયોને સોંપ્યો હતો. જેમાં ભારતીય ખેડૂતોના વખાણની સાથે હ્યુમે લખ્યું હતું કે, આટલાં સક્ષમ ખેડૂતો પણ નફાકારક ખેતી નથી કરી શકતાં એ બાબત પ્રશાસન માટે શરમજનક ગણાય. ખેડૂતો એ ભારતીય અર્થતંત્રનો ધબકાર છે. ભારતના સુવર્ણયુગનો ખરો આધાર જ અહીંનું કૃષિતંત્ર હતું. તેને આપણે મરવા ન દઈ શકીએ. હ્યુમે અન્યત્ર કરેલા દાવા મુજબ, લોર્ડ મેયો પોતે બ્રિટનમાં જમીનદાર હતા અને ખેતીમાં ઊંડો રસ ધરાવતા હતા માટે તેમણે ભારતીય ખેડૂતો વિશે વૈજ્ઞાનિક પદ્ધતિથી સર્વે કરવાનો નિર્ણય લીધો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3m1yVuh
0 ટિપ્પણીઓ